ગુરુવાર, 6 ડિસેમ્બર, 2012

દીકરી બચાવો

નારી ભૃણ હત્યા – સમાજનું મહાકલંકદીકરી બચાવો

નારી ભૃણ હત્યા – સમાજનું મહાકલંક

beti bachao >> stri bhun hatya roko
આધુનિક યુગમાં ભ્રૂણ હત્યાની ભયંકર બદી પ્રવેશી ગઈ છે. જેના કારણે આજે માનવ જાત અશાંતિના આરે આવીને ઉભી છે. ગર્ભપાત એ જીવતા મનુષ્યની હત્યા છે. માતાના ગર્ભમાંથી માનવ-બાળ જ ઉત્પન્ન થાય છે. પણ કેટલાયે લોકો દીકરી જન્મવાની હોય છે ત્યારે ગર્ભપાત કરાવી નાખે છે !
કાતર જેવું હથિયાર અંદર નાખીને જીવતા બાળકને તે વડે વીંધી નાખવામાં આવે છે. ગર્ભમાં તરફડતું બાળક લોહીલુહાણ થઇ અસહ્ય વેદના ભોગવી મૃત્યુને શરણ થાય છે. પછી એક ચમચી જેવા સાધનની મદદથી બાળકના ટુકડા બહાર કાઢવામાં આવે છે. ખીમો થઇ ગયેલું મગજ, લોહી દદડતા આંતરડા, બહાર નીકળી પડેલી આંખો, દુનિયામાં જેણે પહેલો શ્વાસ નથી લીધો તેવા ફેફસાં, નાનકડું હૃદય, હાથ-પગ બધું જલદી બહાર કાઢીને નીચેની બાલદીમાં ડોક્ટર ફેંકી દે છે !! બાળકને અંદર તરફડીને મારી જવા માટે પૂરતો સમય પણ આપતો નથી. અંધારામાં તીર મારવા જેવું આ ઓપરેશન છે. જો કાતિલ ખૂનીઓ, ડાકુઓ, કસાઈઓ, આ દેશની ભ્રૂણ હત્યાના બે-ચાર ઓપરેશનો જોઈ લે તો કદાચ તેઓ પોતાનો ધંધો છોડી દઈને સાધુ બની જાય.
beti bachao
આ કળિયુગનો આંધળો કાયદો કેવો છે ? કાયદો પણ ગર્ભસ્થ શિશુની રક્ષા કરી શકતો નથી. કાનૂને જ ગર્ભ હત્યા કરનારને યોગ્ય વૈદ્ય બનાવી દીધા છે. પરિણામ સ્વરૂપે ખુલ્લમખુલ્લા દુરાચાર, વ્યભિચાર, અને અનાચારને નિમંત્રણ મળી ગયું છે. ચાહે તેટલા ઉઘાડે છોગે દુરાચાર કરી રહેલા વ્યક્તિઓ ‘ગર્ભ ફક્ત પંદર-વીસ મિનિટમાંજ પડી જશે’ તેવી જાહેર ખબરો પણ છાપે છે. ટી.વી. – રેડિયોમાં આવે છે, ફક્ત 150 રૂપિયામાં જ ઘણી સરળતાથી ગર્ભ હત્યા કરાવી શકાય છે. ગર્ભ હત્યા સરળ બની ગઈ છે. રસ્તા પર ચાલતી સ્ત્રી પણ આ કરાવી શકે છે. બે કલાકમાં તો ઘરે જઈ શકાય છે. માનો કે શાકભાજી ખરીદવા ન ગઈ હોય ! વિજ્ઞાનની ટેકનિકે આટલી બધી સગવડ ખૂબ સરળતાથી ઊભી કરી નાખી છે. તેમના માટે કહી શકાય…..
” निर्माणों के पावनयुगमें हम चरित्र निर्माण न भूले,
स्वार्थ साधनाकी आंधीमे वसुधा का कल्याण न भूले | “
ભારતીય સ્ત્રીઓ હજારો વર્ષના સંસ્કારના બળે ગર્ભપાતનું પાપ કરતાં ખચકાય છે. ત્યારે તેને સમજાવવામાં આવે છે હજુ તો શરૂઆત છે, તેમાં હજુ જીવ નથી. કોઈને ખબર પણ નહિ પડે. અને ભોળી સ્ત્રીઓ આ પ્રચાર જાળમાં ભરમાઈ જાય છે. કોણ કહે છે ગર્ભમાં જીવ હોતો નથી ! જીવ તો પહેલે જ દિવસથી, પહેલી જ ક્ષણથી હોય જ છે. જો જીવ ન હોય તો આટલો પણ એક બે ત્રણ મહિનાનો વિકાસ કેવી રીતે થાય ? આવી ગર્ભપાત કરવાની સલાહ આપનાર પૂજા ભક્તિ – દાન દેનાર બહેનો પણ, અચકાતી નથી. ક્ષણવાર માટે થાય કે આવી ધર્મી બહેનો નિર્દય કે ક્રૂર હોય ? બહેનોમાં જ્યાં સુધી આત્માનું જ્ઞાન પેદા નથી થતું ત્યાં સુધી આ બધું નકામું. માટે એક ‘માં’ પોતે જ પોતાની દીકરીની હત્યા થતી બચાવી શકે ! સ્વામી દયાનંદે પણ કહ્યું છે કે,
” ભારતવર્ષનો ધર્મ ભારતવર્ષના પુત્રોથી નહિ પણ પુત્રીઓના પ્રતાપે સ્થિર છે. ભારતીય સ્ત્રીઓએ પોતાનો ધર્મ છોડ્યો હોત, તો ભારતવર્ષ ક્યારનોયે નસ્ટપ્રાય થયો હોત ! “
વધુ મહત્વની વાત એ છે કે જયારે ગર્ભમાંના સંતાનની જાતિ નક્કી કરવાની હોય છે ત્યારે પતિ અને પત્ની બંને ડોક્ટર પાસે સાથે જ જાય છે અને જો દીકરી જન્મવાની જાણ થાય તો ગર્ભપાત પણ બંને મળીને કરાવે છે. આમ જેની સાથે સવિશેષપણે વાત કરવાની છે તે લક્ષ્યો ડોક્ટરની નજર સામે જ હોય છે. અને તે બંદી શ્રોતાજનોએ ડોક્ટર જે કહે તે સાંભળવાનું હોય છે અને તેની આજ્ઞાને માથે ચડાવવાની હોય છે. આવે વખતે ડોક્ટર પતિ-પત્નીની માંગણીને વશ થાય છે. અને પોતાના કૌશલ્યનો ઉપયોગ કરે છે. આના બચાવમાં ડોકટરો કહે છે કે દેશમાં વસતિ વધારાને રોકવાની જરૂર છે તેમાં અમે મદદરૂપ થઈએ છીએ. એક વધુ સ્ત્રીને દુ:ખી જીવન જીવવામાંથી રોકીએ છીએ. અને એક રોતી કકળતી સ્ત્રીની વિનંતીને માન આપીને તેના પર દયા કરીએ છીએ. બુદ્ધિજન્ય દલીલો કરનાર ડોક્ટરને પોતે યોગ્ય જ કરી રહ્યો છે તે લાગણી ધન કમાયાથી બળવત્તર બને છે. તેને કારણે તેઓ સ્ત્રીઓને મદદ કરતા હોય તેવો સ્વાંગ વધુ ચતુરાઈ પૂર્વક કરે છે.
તબીબો સામાજિક સભાનતા જગાવવામાં મદદરૂપ બનવા જોઈએ. પોતાના દવાખાનામાં ‘ગર્ભપાત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે’, ‘ગર્ભસ્થ બાલિકા હત્યા પાપ અને ગુનો બને છે’, જેવા પોસ્ટરો સ્થાનિક ભાષામાં લખીને ભીંત પર લગાવે. આવા સૂત્રો પ્રીસ્ક્રીપ્શન લખી આપવાની બધી જ સામગ્રી પર મુકવા જોઈએ. નારી ભ્રૂણહત્યાની સ્ત્રીના મન અને શરીર પર થતી હાનિકારક અસરો અને વ્યાપક દ્રષ્ટિએ જોઈએ તો લાંબા ગાળે સમાજ આખા પર થતી એની અવળી અસરો વિષે સરકારને સાહિત્ય સર્જવામાં તબીબો મદદ કરી શકે. શાળા-મહાશાળાઓમાં ભણતા કિશોર-કિશોરીઓને તથા તદ્દન અશિક્ષિત લોકોને પણ આ સમાજની હાનિકારક પ્રવૃત્તિ વિષે સમજ આપવા સાહિત્ય સર્જવામાં તબીબોએ સહાય કરવી જોઈએ. સ્વૈચ્છિક સંસ્થાઓ જયારે શૈક્ષણિક શિબિરો, બેઠકો અને કાર્યશિબિરોનું આયોજન કરે ત્યારે ડોકટરો એમને મદદ કરી શકે.
આપણા સમાજના ધાર્મિક નેતાઓ આ કલંકને રોકવામાં સાથ આપી શકે. આપણા સમાજમાં પુત્ર જન્મને વધુ આવકાર્ય ગણવામાં આવે છે. તેની પાછળના કારણો છે : માત્ર પુત્ર જ પુન નામના નર્કમાંથી ઉગારે છે. માત્ર પુત્ર જ કુટુંબનો વંશવેલો આગળ વધારે છે. માતા પિતાને વૃદ્ધાવસ્થામાં કેવળ પુત્ર જ સાચવે છે.
આ ત્રણ કારણોમાંનું પહેલું કારણ ધાર્મિક માન્યતાઓને લીધે છે. દરેક હિંદુ પુરુષ પુન નામના નર્કમાંથી છૂટવાની ઈચ્છા ધરાવે છે તેથી એ પુત્રની ઝંખના સેવે છે. આમ કરતા કરતા તે પુત્રી તરફ ઉદાસીન થઇ જાય છે. ને એની ગર્ભમાં જ હત્યા કરાવી નાખી નીચામાં નીચા નર્કને લાયક બને છે. કેમકે તે પોતાના જ ન જન્મેલા સંતાનની હત્યા કરાવે છે. આવું એ દેખીતી રીતે તો અહેતુક જ કરે છે કેમકે ઘણા બધાને એ વાતનો ખ્યાલ જ નથી આવતો કે ગર્ભપાત એક પાપ છે, હત્યા છે.
ધર્મગુરુઓ લોકોને સમજાવે કે પુન નામના નર્કમાંથી છૂટવા નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી તેઓ કેવું હીન કૃત્ય કરે છે. આવી સભાનતા લોકોમાં ધર્મગુરુઓ જગાવી શકે. આપણી દલીલ નવી ટેકનોલોજીના સંદર્ભમાં જરા જુદી રીતે પણ સમજાવી શકાય. હવે મૃતદેહોને વીજળી દ્વારા ભસ્મીભૂત કરવામાં આવે છે ત્યારે પુત્ર અગ્નિદાહ દે એવું થતું નથી. ધર્મગુરુઓએ આ વાત તેમના ભક્તોને ખાસ ધ્યાન પૂર્વક સમજાવવી જોઈએ.
” नर को नारायण करे जिसका मिलन महान
वह नारी जन पूज्य है, उससे है सुंदर जहान
कितना समजाये तुम्हे, करो न अब अपमान
सभी गुणों की खान है , नारी रूप महान | “
અસંખ્ય ગર્ભસ્થ બાલિકા-હત્યા અત્યારે થઇ રહી છે તે એ જ વાતની દ્યોતક છે કે સદીઓથી સ્ત્રીઓના અસ્તિત્વ વિષે સમાજ ઉદાસીન રહ્યો છે આ સમાજનું મહા કલંક છે. શું આપણે સાથે રહીને નારી ભ્રૂણ હત્યા વિરુદ્ધ ઝુંબેશ ઉઠાવી ના શકીએ ? સમાજમાં નારી ભ્રૂણ હત્યાનું દુષણ ઝડપથી પ્રસરી રહ્યું છે. આ સમસ્યા પર ગંભીર ચિંતન કરી તે માટે સૌએ સક્રિય થવાની જરૂર છે. નારી ભ્રૂણ હત્યા કરીને આપણે કેટલીયે મૈત્રેયી, ગાર્ગી, લક્ષ્મીબાઈ, લતા મંગેસ્કર, કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, કિરણ બેદી અને અન્ય મહાન વિભૂતિઓને ધરતી પર આવતા પહેલા જ મારી નાખીએ છીએ !!!
” પુરુષ ઘરનું આંગણું , નારી ઘરનો મોભ,
નારી શક્તિનું રૂપ છે , ન ભૂલો એના જોમ.”