બુધવાર, 5 ડિસેમ્બર, 2012

શતાવરી

આરોગ્ય અને ઔષધ - વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની
વૈદ્યો પિત્તના વિભિન્ન રોગોમાં સૌથી વધારે કયું ઔષધ પસંદ કરીને વાપરે છે, તે આપ જાણો છો? એ આયુર્વેદીય ઔષધનું નામ છે, 'શતાવરી'. તો આવો આ વખતે આ શતાવરી વિષે કંઈક જાણીએ.
પરિચય
આ શતાવરીને આયુર્વેદમાં 'બહુપત્રા' પણ કહેવામાં આવે છે. ઔષધ તરીકે તેના મૂળનો જ વધારે ઉપયોગ થાય છે. તેનાં મૂળિયાં લાવીને તેનો પિત્તશામક ઘરગથ્થુ ઔષધ તરીકે ઉપયોગ કરી શકો. આયુર્વેદના મતે શતાવરી સ્વાદમાં મધુર અને કડવી, શીતળ, જઠરાગ્નિવર્ધક, પચવામાં ભારે, રસાયન, પૌષ્ટિક, બળપ્રદ, બુદ્ધિવર્ધક, ધાવણવર્ધક, વાજીકરણ અને આંખો માટે હિતકારી છે. તે પિત્ત, વાયુ, કફ, ક્ષય, રક્તદોષ અને સોજાનો નાશ કરનાર છે.
ઉપયોગ
પિત્તપ્રકોપ થાય ત્યારે ઉગ્ર થયેલું પિત્ત પોતાના ઉષ્ણ, તીક્ષ્ણ અને સૂક્ષ્મ ગુણોને લીધે શરીરના કોઈ પણ ભાગમાં જેવા કે ગળું, જીભ, તાળવું, હોજરી, આંતરડાં, મળદ્વાર, યોનિપ્રદેશ અને ગર્ભાશયમાં વગેરે કોઈ પણ જગ્યાએ ચાંદાં પાડી શકે છે. આવા પિત્તપ્રકોપજન્ય ચાંદાં-અલ્સરમાં શતાવરી ઉત્તમ પરિણામ આપે છે.
જેમને પિત્તપ્રકોપને લીધે નાની-મોટી તકલીફો થયા કરતી હોય, તેમણે શતાવરીને ઉપયોગ કરવો જોઈએ. ગાંધીને ત્યાંથી સારી જાતનાં એટલે કે સડેલાં ન હોય, એવાં સારાં-પુષ્ટ મૂળિયાં લાવી, તેને સાફ કરી, ખૂબ ખાંડીને તેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી બાટલીમાં ભરી રાખવું. પછી જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે આ શતાવરી ચૂર્ણનો ઉપયોગ કરવો. ચૂર્ણ ઔષધો સામાન્ય રીતે બેથી ત્રણ મહિને પોતાના ઔષધીય ગુણો ગુમાવતા હોય છે. એટલે જ જરૂર પૂરતું જ ચૂર્ણ બનાવવું.
જેમને વારંવાર પિત્તની તકલીફ થતી હોય, તેમણે સૌ પ્રથમ તો પિત્ત વધારનાર આહાર, વિહારનો ત્યાગ કરવો જોઈએ. તીખી, ખારી અને ખાટી આ ચીજોના સતત કે વધારે પડતા ઉપયોગથી પિત્તપ્રકોપ થાય છે. ચિંતા, ઉજાગરો, ગુસ્સો અને તડકામાં ફરવાથી પણ પિત્તપ્રકોપ થાય છે. એટલે આવાં બધાં પિત્તપ્રકોપક કારણોનો ત્યાગ કરીને પિત્તશામક શતાવરીનો ઉપયોગ કરવાથી પિત્તની અનેક તકલીફો મટે છે.
કેટલાકનાં શરીર ગરમ રહેતાં હોય છે. અંદરથી શરીર ગરમ હોય એવી અનુભૂતિ થાય, વારંવાર મોઢા, જીભ કે તાળવામાં ચાંદાં પડવા કે ઉપર જણાવ્યા પ્રમાણે શરીરના કોઈ પણ ભાગમાં ચાંદાં પડવાં, રક્તસ્રાવ થવો, શરીરની આંતરિક ગરમીને લીધે વજન વધતું ન હોય, શરીર દૂબળું રહેતું હોય એવી વ્યક્તિઓએ શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ.
શતાવરીના એક ઘરગથ્થું પ્રયોગનું નિરૂપણ કરી આ લઘુલેખ સમાપ્ત કરીશ. ૨૫૦ ગ્રામ જેટલા દૂધમાં એક ચમચી શતાવરી ચૂર્ણ, એક ચમચી જેટલો સાકરનો ભુકો અને બે ચમચી ગાયનું ઘી નાંખી તેને ગરમ કરવું. બરાબર ઊકળે ત્યારે તેને ઠંડું પાડી ધીમે ધીમે પી જવું. આ પ્રયોગમાં વપરાતાં શતાવરી, દૂધ, સાકર અને ઘી આ ચારે દ્રવ્યો પરમ પિત્તશામક છે. લાંબા સમય સુધી તેનો નિયમિત ઉપયોગ કરવાથી તથા તે સાથે જરૂરી પરેજી પાળવાથી વર્ષો જૂની ક્રોનિક પિત્તની તકલીફો મટી જાય છે. જેમને વજન વધારવું હોય તેમણે આ પ્રયોગમાં અશ્વગંધા અને જેઠીમધનો ઉંમર પ્રમાણે અડધીથી એક ચમચી જેટલો ઉમેરો કરવો.