બુધવાર, 5 ડિસેમ્બર, 2012

ગોખરુ


આયુર્વેદના પ્રસિદ્ધ ઔષધ રસાયન ચૂર્ણની બનાવટમાં આંમળા અને ગળોની સાથે ગોખરુ પણ ઉમેરવામાં આવે છે. કેમ કે આંમળા અને ગળોની જેમ ગોખરુ પણ ઔષધ છે. રસાયન એવું ઔષધ છે કે જે વૃદ્ધાવસ્થા અને વ્યાધિઓને દૂર રાખવામાં શરીરને મદદરૂપ થાય છે. ગોખરુમાં આવા જ ઔષધીય ગુણો રહેલા છે. રસાયન હોવાની સાથે ગોખરુ મૂત્રમાર્ગના રોગોનું રામબાણ ઔષધ છે, તો આ ઉત્તમ આયુર્વેદીય ઔષધ વિષે થોડું નિરૂપણ કરું છું.
ગુણકર્મો
સંસ્કૃતમાં ગોખરુને ગોક્ષુર, ત્રિકંટક, શ્વદંષ્ટ્રા વગેરે નામ આપવામાં આવ્યાં છે. જમીન પર બેથી ત્રણ ફૂટ સુધી ફેલાયેલા-પથરાયેલા ગોખરુના છોડ સમસ્ત ભારતમાં થાય છે. ગોખરુની બીજી એક જાતને મોટા ગોખરુ કહે છે, જે સમુદ્રના તટવર્તી પ્રદેશોમાં અધિક થાય છે.
આયુર્વેદીય મતે ગોખરુ સ્વાદમાં મધુર, શીતળ, સ્નિગ્ધ, ચીકણા, બળ આપનાર, ભૂખવર્ધક, રસાયન, મૂત્રલ, બસ્તિશોધક, હૃદય માટે હિતકારી, કફ માટે નિઃસારક, ગર્ભસ્થાપન તેમજ મૂત્રકષ્ટતા, પથરી રક્તસ્રાવ, બળતરા, પ્રમેહ, વાયુના રોગો, અગ્નિમાંદ્ય, મસા, ઉધરસ, દમ, શીધ્રપતન તથા સ્વપ્નદોષ મટાડે છે. રાસાયણિક દષ્ટિએ ગોખરુના ફળમાં ક્ષાર ૩.૫થી ૫ પ્રતિશત સ્થિરતેલ, સુગંધિત ઊડનશીલ તેલ, રાળ, ટેનિન, ગ્લાઇકોસાઇડ, સ્ટિરોલ તથા નાઇટ્રેટ્સ હોય છે. ગોખરુના છોડમાં હર્મેન તથા તેનાં બીજમાં હર્મિન નામના ક્ષાર તથા થોડા સેપોનીન હોય છે.
ઉપયોગ
ગોખરુ બહુ સારા 'મૂત્રલ' અર્થાત્ મૂત્ર સાફ લાવનાર છે. ગોખરુ, પાષાણભેદ, સાગનાં ફળ, કાકડીનાં મીંજ, સાટોડીનાં મૂળ, ભોંયરીંગણીનાં મૂળ અને ગળો. આ બધાં ઔષધો સરખા ભાગે લઈ, ખાંડીને અધકચરો ભુક્કો કરી લેવો. બે ચમચી જેટલો આ ભુક્કો બે ગ્લાસ પાણીમાં નાંખી ઉકાળવો. ઉકળતાં અડધંુ પાણી બળી જાય એટલે ઉતારી, ગાળીને પીવાથી મૂત્ર સરળતાથી અને સાફ આવે છે. મૂત્ર સંબંધી તકલીફોમાં આ ઉકાળો અથવા એકલા ગોખરુનો ઉકાળો બનાવીને પણ આપી શકાય.
આમવાત અને કમરનાં દુખાવા જેવી તકલીફો માટે આ ઉપચાર ખૂબ જ લાભદાયી છે. એક ચમચી ગોખરુ ચૂર્ણ અને એક ચમચી સૂંઠનું ચૂર્ણ લેવું. બે ગ્લાસ પાણીમાં આ બંને ચૂર્ણ નાંખી ઉકાળવાં. ઉકળતાં એક કપ જેટલું પાણી બાકી રહે ત્યારે ઉતારી, ગાળીને સવાર-સાંજ આ દ્રવ પીવાથી કમરનો દુખાવો, સાંધાની વેદના વગેરે મટે છે. કબજિયાત હોય તો આ ઉકાળામાં થોડું દિવેલ નાંખીને પીવું.
સ્ત્રીઓને પ્રદર રોગ થયો હોય (સફેદ પાણી પડતું હોય) તો ગોખરુનું ચૂર્ણ અડધી ચમચી + ગાયનું ઘી એક ચમચી + ખડીસાકર એક ચમચી મિશ્ર કરી સવાર-સાંજ લેવું. પ્રદર રોગ મટી કમરના દુખાવામાં થોડા દિવસમાં જ રાહત થાય છે. રસાયન ચૂર્ણ ઘી સાથે લેવાથી પણ પ્રદર રોગ મટે છે. રસાયન ચૂર્ણ ઉત્તમ ધાતુ, પૌષ્ટિક, વાજીકરણ અને રસાયન છે. બજારમાં તૈયાર મળી રહે છે.
રસાયન ચૂર્ણની જેમ ગોક્ષુરાદિ ગુગળ, ગોક્ષુરાદિ કવાથ,ગોક્ષુરાદિ અવલેહ, ગોક્ષુરાદિ ધૃત વગેરે ઔષધોમાં ગોખરુ મુખ્ય ઔષધરૂપમાં વપરાય છે. આ ઔષધો જુદા જુદા અનેક રોગોમાં ઉપયોગી છે.