મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

સર્વ શાકભાજીમાં શ્રેષ્ઠ જીવંતીનાં ગુણકર્મો

સર્વ શાકભાજીમાં શ્રેષ્ઠ જીવંતીનાં ગુણકર્મો (આરોગ્ય અને ઔષધ)
 
આકડાના વર્ગની આ વનસ્પતિ છે. 'જીવંતી' એનું આયુર્વેદીય નામ છે. ગુજરાતમાં એ સર્વત્ર જોવામાં આવે છે અને ગ્રામ્ય લોકો તો એને તરત જ ઓળખી લે છે. ગામડામાં દરેક વાડ પર તેની વેલ ચઢેલી જોવામાં આવે છે અને એનું શાક પણ ખવાય છે. તેનાં પાન તેમજ ફળ સીધા જ ખાઈ શકાય એવાં મીઠાં હોય છે. કુમળાં પાન અને ફળો ખાધા જ કરીએ એટલાં સ્વાદિષ્ટ હોય છે. આ જીવંતી એટલે આપણી ડોડીની ભાજી. જીવંતીના ગુણોને ધ્યાનમાં રાખી આયુર્વેદમાં તેને સર્વ શાકોમાં શ્રેષ્ઠ કહી છે. આ વખતે આ શાકશ્રેષ્ઠ જીવંતીનાં ઔષધીય ગુણકર્મો અને ઉપયોગો વિષે વાચકોને જણાવવાનો ઉપક્રમ છે.
ગુણકર્મો
જીવંતીની અનેક પત્રો અને શાખાઓવાળી વેલ પશ્ચિમ અને દક્ષિણ ભારતના ઘણા પ્રદેશોમાં ચોમાસા સમયે ખાસ જોવા મળે છે. બારેમાસ તે લીલીછમ રહી શકે છે. જીવંતી મીઠી અને કડવી એમ બે જાતની થાય છે. અહીં મીઠી જીવંતીની વાત છે. આ જીવંતીને આપણે ત્યાં ખરખોડી પણ કહે છે.
આયુર્વેદ પ્રમાણે જીવંતી મધુર, શીતળ, પચવામાં હળવી, ત્રિદોષ (ખાસ કરીને વાયુ અને પિત્ત) શામક, ચક્ષુષ્ય-આંખો માટે હિતકારી, રક્તપિત્ત શામક, કફને બહાર કાઢનાર, રસાયન, બળપ્રદ, પુષ્ટિકર, વીર્યવર્ધક તથા મૂત્ર સાફ લાવનાર છે. તે તાવ, દાહ-બળતરા, હૃદયની નબળાઈ, કબજિયાત, મૂત્રદાહ, આંખોના રોગો, ઉધરસ, સંગ્રહણી તથા મુખના રોગોમાં ઉપયોગી છે.
રાસાયણિક દૃષ્ટિએ જોઈએ તો જીવંતીનાં મૂળમાંથી અનેક પ્રકારના સ્ટેરોલ પ્રાપ્ત થાય છે.
ઉપયોગો
ઉપર જણાવ્યું તેમ જીવંતી મધુર, ઠંડી, રક્ત અને પિત્તના વિકાર શાંત કરનાર તથા દાહ મટાડનાર છે. આ ગુણોને કારણે જીવંતી સ્ત્રીઓના કોઠાનો રતવા મટાડનાર ઉત્તમ ઔષધ છે. કોઠાની ગરમી હોય તે સ્ત્રીઓએ જીવંતીનાં મૂળનું અડધી ચમચી જેટલું ચૂર્ણ રોજ સવાર-સાંજ દૂધ સાથે લેવું. મૂળનો પાણીમાં ઘસારો કરીને પણ લઈ શકાય. આ ઉપચારથી શરીરમાં નવી શક્તિ આવે છે અને રક્તના વિકારો મટે છે.
જીવંતી બળપ્રદ, વાજીકરણ અને રસાયન-વૃદ્ધત્વની ક્રિયાને ધીમી પાડનાર છે. જીવંતીનાં મૂળ લઈ, તેનું વસ્ત્રગાળ ચૂર્ણ બનાવી, રોજ સવાર-સાંજ અડધી અડધી ચમચી જેટલું આ ચૂર્ણ તાજા દૂધ સાથે લેવાથી જૂનો તાવ, અશક્તિ બળતરા વગેરે મટે છે. જીવંતી તદ્દન નિર્દોષ ઔષધ છે. કોઈ જાતનું નુકસાન કરતી નથી. ખાંસી હોય, જીર્ણ તાવ રહેતો હોય, ક્ષયની શંકા હોય, અશક્તિ રોજબરોજ વધતી જતી હોય તો તેમણે જીવંતીનાં મૂળનું ચૂર્ણ સવાર-સાંજ ફાકવાનું રાખવું. મોંઘી દવાઓ કરતાં આવી સાદી વનસ્પતિનાં ઔષધોમાં જે ચેતના આપવાની શક્તિ છે તે અમૂલ્ય છે.
જીવંતીને આંખો માટે પરમ હિતકારી ગણવામાં આવી છે. આયુર્વેદના મર્હિષ સુશ્રુતે તેને 'ચક્ષુષ્ય' એટલે કે ચક્ષુ માટે હિતકર કહી છે. આંખના રોગોમાં આ જીવંતી ઉત્તમ પરિણામ આપે છે. રતાંધળાપણું (નાઇટ બ્લાઇન્ડનેસ) જેમાં રોગી રાત્રે જોઈ શકતો નથી, એ રોગમાં જીવંતી ખૂબ જ ઉપયોગી છે.
જીવંતીનાં મૂળ ધાતુપુષ્ટિ માટેનું સારું ઔષધ છે. મૂત્રમાં બળતરા થતી હોય, મૂત્રમાં ધાતુ જતી હોય, સ્વપ્નમાં ધાતુ જતી હોય તો જીવંતીનાં મૂળનું સેવન કરવાથી લાભ થાય છે. જીવંતીનાં મૂળ ઉત્તમ મૂત્રલ અર્થાત્ મૂત્ર સાફ લાવનાર છે, ગરમીને ઓછી કરનાર છે તથા ધાતુને પુષ્ટ કરનાર છે.
સુવાવડી સ્ત્રીઓ જેમને ધાવણ ન આવતું હોય કે ઓછું આવતું હોય તેમનાં માટે પણ જીવંતી ઉપયોગી ઔષધ છે. ધાવણની વૃદ્ધિ માટે જીવંતીનાં પાનનું અડધી ચમચી જેટલું ચૂર્ણ સવાર-સાંજ દૂધ સાથે લેવું. જીવંતીના સેવનથી ધાવણના દોષો પણ દૂર થાય છે.